vaghbaras

vaghbaras

વાઘબારહ/વાઘબારસ એ આદિવાસી સમુદાય આદિકાળથી પરંપરાગત રીતે ઉજવતો પર્વ છે.🌾

👉આદિવાસીઓ ક્યારેય વ્યક્તિ પૂજા માં માનતા નથી, આદિવાસીઓના દેવ દેવી એ પ્રકૃતિ તત્ત્વો અને પોતાના પૂર્વજો જ હોય છે. આદિવાસીઓ જળ,જંગલ,જમીન, આકાશ, સૂર્ય, ચંદ્ર,તારા,આગ વગેરે ને જ દેવ માને છે, પ્રાકૃતિક દેવના પ્રતીક તરીકે આદિવાસીઓની લાકડું કે પથ્થરનો ઉપયોગ કરે છે જેમાં અલગ અલગ વિસ્તારમાં વિવિધતા જોવા મળે છે, એ સિવાય આદિવાસીઓ પોતાના જે પૂર્વજો જેમણે ખેતી કરતા શીખવ્યું, આદિકાળથી ચાલતી આવતી ઔષધીય જાણકારી આપી, સંગીત નૃત્યની જાણકારી આપી એના માન રૂપે આદિવાસીઓ વર્ષ માં અલગ અલગ દિવસોએ પોતે કરેલા ખેતીના પાકોની કાપણી કરી લે છે ત્યારબાદ પોતાના પૂર્વજો ને એ ધાન્ય આપે છે અને એમનો આભાર માને છે. વાઘબારસ માં આદિવાસીઓ પોતાના પાલતું દુધાળા પશુઓના તેમજ માનવના રક્ષણ માટે ‘વાઘ’ ને પણ જીવતા દેવ તરીકેનો દરજ્જો આપી વાઘદેવને પૂજા કરે છે, કે હે વાઘદેવ મારા પશુઓ ને નુકશાન કરશો નહીં.🌾

👉 આદિવાસીઓના દેવ દેવીઓ ક્યારેય કોઈ હથિયાર વાળા વ્યકિતઓ પુરુષ સ્ત્રી હોતા નથી, આજે ઘણી જગ્યાએ આદિવાસી દેવ થાનકો એ ઘણા બધા હાથો વાળી મૂર્તિઓ બેસાડી દેવામાં આવી છે, એ બધી દેવીઓની મૂર્તિઓ આદિવાસી સંસ્કૃતિની નથી, આદિવાસીઓની ક્યારેય એવી ચમત્કારિક, હત્યા વધ વાળી કથાઓ રહી નથી એ જે બધું વધ હત્યા અને ઘણા બધા હાથો વાળુ છે એ અન્ય સંસ્કૃતિ દ્વારા આદિવાસીઓ પર અતિક્રમણ કરવામાં આવ્યું છે.🌾

👉 ‘વાઘ બારસ’ એ ‘વાઘ બારસ’ છે ‘વાક બારસ’..નથી!

છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાક લોકો દ્વારા વાઘ ને ‘વાક’ બનાવવામાં આવી રહ્યો છે અને વાક એટલે સરસ્વતી એટલે કે સરસ્વતી માતાનો તહેવાર, આમ આ એક પ્રાકૃતિક વાઘબારસનું બ્રહ્મણીરકણ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે , તેમજ યુટ્યૂબ પર આપ વાઘબારસ લખશો તો વિવધ ધાર્મિક સંપ્રદાય દ્વારા ,જેતે ધર્મના અનુયાયીઓ દ્વારા એકદમ કળોકલ્પિત કથા કહાનીઓ દ્વારા તર્કવગરનું સ્વરૂપ આપી વાઘબારસ નું બ્રહ્મણીકરણ કે ધર્મ સાથે જોડી દેવાના પ્રયાસો વાળા વિડીયો જોવા મળશે.🌾

👉 વાઘબારસ એ ખેતી અને પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા આદિવાસી સમાજ જંગલી પશુઓથી માનવ સમુદાય તેમજ પાલતુ જાનવર ના રક્ષણ કાજે ‘વાઘ’ ને જીવતા દેવ તરીકેનો દરજ્જો આપી વાઘદેવને રીઝવવા માટે એની પૂજા કરી પરંપરાગત રીતે ઉજવાતો પર્વ છે.🌾

👉 આદિવાસી સમાજની પરંપરાઓમાં જ્ઞાન, વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને ઔષધીય જ્ઞાનનો સમન્વય જોવા મળે છે. આદિવાસીઓના વિવિધ પર્વ માં, પ્રકૃતિચક્ર આધારિત માનવજીવન સુવ્યવસ્થિત પાસાઓ સાથે વણાયેલું હોય છે, આદિકાળથી પેઢી દર પેઢીથી આદિવાસી સમાજ ‘વાઘ બારસ’ ઉજવતો આવ્યો છે. આ પર્વ સાથે ચોક્કસ માન્યતા અને વણાયેલી હોય છે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આધારિત છે. આદિવાસી વિસ્તારમાં થઈને વિવિધ પર્યટન સ્થળો એ જતા રસ્તામાં વાઘ દેવનું થાનક જોવા મળે છે, જેમના કેટલાક ફોટાઓ અહીં આપ્યા છે.🌾

👉 વાઘ દેવ ને પુજવાનો આ દિવસ એ આદિવાસી સમાજ માટે મહત્વનો બની રહે છે, વાઘ બારસ ની ઉજવણીમાં પરંપરાગત રીતે વન ઔષધીઓનો પાલતુ પશુઓ ઉપર તેમજ કોઢમાં પણ છંટકાવ કરવામાં આવે છે, જેમાં આદિવાસીઓમાં રહેલ પરંપરાગત ઔષધીજ્ઞાનની પ્રતીતિ થાય છે. વાઘ બારસના દિવસે વાઘદેવ ના થાનકે કે પછી જ્યાં પાળતુ પશુઓ ગાય ભેંસ કે ઘેટા બકરા લઈને સૌ પહોંચી જાય, પહેલેથી પૂજા સામગ્રી એકઠી કરી હોય અને ભગત દ્વારા પૂજન કરવામાં આવે (ભગત એટલે ઔષધીય તેમજ વિવિધ રીત રિવાજનો જાણકાર માણસ, ઔષધી બનાવવામાં આવે એ વિવિધ રોગ સામે રક્ષણ આપતી ખુબજ અસરકારક હોય છે.) પૂજન સમયે ગોવાળોમાંથી એક વાઘ અને બીજો ભાલડું બને, આ પ્રતીકાત્મક વાઘ અને ભાલડું બનવાનું એક સૌભાગ્ય સમાન હોય છે, હાજર રહેલા દરેક આદિવાસીઓ માં આ પૂજન સમયે અનેરો ઉત્સાહ હોય છે. ભગત વિધિ કરાવે જેમાં આસપાસના ગામોમાં જંગલી પ્રાણીઓએ માનવી કે પાલતુ પશુઓ પર હુમલા કર્યા હોય એનું વર્ણન પણ કરવામાં આવે છે , બનેલ વાઘ અને ભાલુડા ને કમરે કાપડમાં પાનગા/ભાખરા તેમજ કાચા ચોખા બાંધી આપવામાં આવે છે. પૂજા સ્થળે આ બંનેને તિલક કર્યા બાદ ત્યાં લાવવામાં આવેલ પશુઓને તે જગ્યાએ ભેગા પ્રદક્ષિણા કરવામાં આવે છે એ સમયે ઔષધિઓનો છંટકાવ કરવામાં આવે છે. વિધિઓ ના અંતે ‘વાઘ આવ્યો…. વાઘ આવ્યો’ ની બુમ પડે ત્યારે વાઘ અને ભાલુડું બંને ભાગવા માંડે ત્યારે તેમની ઉપર ચેવટા નો મારો વરસાવે છે આમાંથી બચી ને એ બંને જંગલ બાજુ ભાગી જાય છે. ત્યારબાદના અંતે લોટ માંથી બનાવેલ પાનગા,ભાખરા નું (પાનગા,ભાખરા એ આદિવાસીઓનું સર્વપ્રથમ પકવેલ રોટલાનો પ્રકાર છે, જેમાં ધાન્ય ના લોટને બાંધીને ને ગોળ રોટલા બનાવી પાનમાં બાંધી ને આગ પર શેકવામાં આવે છે અને એજ પહેલાં પકવેલ ધાન્ય ખોરાકને આદિવાસીઓ આજ સુધી આ રીતે જાળવી રાખે છે) સમુહભોજન થાય અને વધેલું વનઔષધ લોકો ઘરે લઈ જઈ ને જ્યાં પશુઓ રાખતા હોય ત્યાં છટકાવ કરે છે.🌾

👉 આમ, આદિવાસી સમાજમાં વાઘબારસ ની ઉજવણી વિશિષ્ટ રીતે થતી હોય છે, અનેરા ઉત્સાહમાં પશુઓને પણ રંગરોગાન કરી સજાવવામાં આવ્યા હોય છે, શીંગડા ગેરું થી રંગવામાં આવ્યા હોય છે. સંપૂર્ણ તર્ક આધારિત અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આધારિત પરંપરા સાથે વનઔષધિ તેમજ જંગલીપ્રાણીઓ સાથે સુમેળ ભર્યા વ્યવહારની આ પર્વની ઉજવણી આદિવાસીઓ દ્વારા આદિકાળથી પરંપરાગત રીતે થતી આવી છે. (અલગ અલગ વિસ્તારો મુજબ જેતે આદિવાસી ભાષાઓ મુજબ ઉચ્ચારણ શબ્દોમાં ફેરફારો જોવા મળે છે.)🌾

👉જળ જંગલ અને જમીનને સાચવનારા પ્રકૃતિ પૂજક આદિવાસીઓનો આ પ્રકૃતિ સાથેનો કુદરતી વ્યવહાર છે.

…….જોહાર……..

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!