વાંસદા ના શાકભાજી બજારમાં આ ભાજી જે ચોમાસાની શરૂઆતમાં મળે એ મળતી થઈ ગઈ છે. આ ભાજીનું નામ ડુંગર ભાજી જે બજારું નામ છે અને કવલી/કવળી/કુવલા જેવા વગરે પ્રાદેશિક નામેં ઓળખાય છે. ઔષધિય રીતે એને સફેદ મુશળી નામે પણ ઓળખવામાં આવે છે.
આ ભાજી આદિકાળથી આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમુદાય દ્વારા ખાવામાં આવી રહી છે. આ ભાજીનું શાક તેમજ અન્ય ઘણી વાનગી બનાવવામાં આવે છે. આ ભાજી ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે અને આરોગ્યની દ્રષ્ટિ એ ગુણકારી છે.
આદિવાસી વિસ્તારમાં જે નાના ટાઉન/શહેર હોય ત્યાં ગામડે થી આદિવાસી સમુદાયની બહેનો આ ભાજી વેચવા આવતી હોય છે. આ ભાજીની સારી એવી માંગ ને લીધે નવસારી સુરત ના શાકભાજી માર્કેટમાં પણ ક્યાંક આ ભાજી તમને જોવા મળી શકે છે. ડાંગ તરફના રસ્તાઓ ઉપર પણ આદિવાસી સમુદાયના લોકો આ ભાજી વેચતા હોય છે.
આ ભાજીની ગાંઠ શક્તિવર્ધક દવા તરીકે વપરાય છે, જે ધોળી મૂસળી એમ આદિવાસી વિસ્તારમાં કહેવામાં આવે અને એનું ગુજરાતી નામ સફેદ મુશળી છે. આ ભાજીના મૂળિયામાં જે ગાંઠ હોય એ સૂકવી અથવા એનો પાવડર બનાવીને વેચવામાં આવે છે.
જૂનના પ્રથમ સપ્તાહની આસપાસ જોવા મળતી આ ભાજી હાલમાં મે મહિનાના પહેલા બીજા-સપ્તાહમાં જોવા મળી રહી છે, જે જળ વાયુ પરિવર્તનને કારણે છે. ડાંગ વિસ્તારમાં વધુ વરસાદ વરસી ગયો ત્યાં આ ભાજી ઉગી નીકળી તો વાંસદા તરફ અને અન્ય વિસ્તાર જ્યાં ઓછો વરસાદ છે ત્યાં પૂરતા પ્રમાણમાં આ ભાજી હજુ ઉગી નથી.
અમારા સાથે જોડાયેલા રહેજો મિત્રો જો તમને આ લેખ ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, આદિવાસી વિસ્તારના ડુંગરોમાં મળતી અવનવી ભાજીઓની નવી નવી પોસ્ટ આવશે.
આભાર…
– © Aamu Adivasi
