આદિવાસી રૂઢિ પરંપરા એજ આદિવાસીની સાચી ઓળખ
આપણા દેશમાં વિવિધ સમાજના લોકો રહે છે, એમાં એક છે આદિવાસી સમાજ. આદિવાસી સમાજમાં વિવિધ પેટા પ્રકાર છે. તો આપણા દરેક આદિવાસી સમુદાય માં જન્મ, લગ્ન અને મરણ વખતે પોતાના રિવાજો છે તો એ મુજબ જ વિધિ કરવી જરૂરી છે કારણ કે આપણી વિધિ, રૂઢી પરંપરા એજ આપણી ઓળખછે.
- રૂઢી પરંપરા, રીત રિવાજ થી જ આપણે ધોડિયા, ગામિત, કુકણા, ચૌધરી, રાઠવા, વારલી અને બીજી ઘણી બધી આદિવાસી જાતિ છે એ તરીકે ઓળખ પામીયા છીએ.
- આદિવાસી સમાજમાં જન્મ, લગ્ન મરણ કે નવા ઘરમાં પ્રવેશ, નવું ઘર બનાવવું , કોઈક નવી બનાવટ, મશીન વગેરેની પહેલી વખત શરૂઆત કરવી તે માટે પોતાના રિવાજો છે જે પોતાના જ સમાજના બહેનો કે ભાઈઓ દ્વારા કરવા ખુબજ જરૂરી છે એ માટે કોઈ ડર કે વહેમ રાખવાનો નથી.
- હિન્દુ, ખ્રિસ્તી ,મુસલમાન એ બધા ધર્મો છે, એમના ધર્મ મુજબ એમના પોતાના રિવાજો છે, એમના પોતાના મંત્રો, ઉચ્ચારણ કે પ્રાર્થના કે પાઠ મુજબ એ સમાજના લોકો વિધિ કરે છે. તો આદિવાસી સમાજના પણ એ ધર્મો થી અલગ રીત રિવાજો છે જે આદિવાસી સમાજના બહેનો અને ભાઈઓ દ્વારા જ થઈ જાય છે.
- કોઈ અન્ય સમાજ કે ધર્મના લોકોને વિધિ કરાવવા બોલાવવું એ આદિવાસી સમાજની ઓળખ નથી, અને એ વિધિ આદિવાસી સમાજ ની વિધિ કહેવાય જ નહી.
- આજે દરેક સમાજ કે દેશ પોતાની ભાષા, સાંસ્કૃતિક રીત રિવાજો, પોતાની ઓળખ જાળવી રાખવા પ્રયત્ન કરે છે તો આપણે આદિવાસી કેમ આપણી વિધિ કરવા અન્ય ધર્મ કે અન્ય સમાજ પર આધારિત થવા લાગ્યા છે ?
- આપણા દરેક પ્રસંગની વિધિ આપણા સમાજ દ્વારા જ આપણા રીત રિવાજો મુજબ જ થવી જોઈએ, તો જ તો આપણે આપણો સાંસ્કૃતિક વારસો જાળવી શકીશું, વળી આપણા આદિવાસી રીત રિવાજમાં મોંઘા સામાનની જરૂર હોતી નથી, કોઈ મંત્રો કે પાઠ કરવાની જરૂર નથી, આપણી દરેક વિધિ પ્રકૃતિ આધારિત અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આધારિત છે તો શું કામ અન્ય ધર્મ કે અન્ય સમાજની વિધિ ને અનુસરીએ !
- આપણા આદિવાસી સમાજમાં જન્મની વિધિ પારંપરિક રીતે પાંચોરો કરી કરવી, આદિવાસી સમાજમાં દીકરા દીકરી નો ભેદ નથી અને દીકરા દીકરી નું નામ પણ રાશિ વગર રાખવું, મન ગમતું નામ રાખવું , રાશિ આધારિત નામ રાખવું એ આદિવાસી સમાજ ની પરંપરા નથી, વળી રાશિ એ તો ખગોળ વિજ્ઞાન છે અને એને નામ રાખવા સાથે કોઈ નિસ્બત નથી.
- આદિવાસી સમાજમાં નવા ઘરનો પાયો નાંખતી વખતે કે ઘર બની ગયા બાદ ઘરમાં પ્રવેશ કરતી વખતે પારંપરિક વિધિ કરવી, કોઈ અન્ય ધર્મ કે સમાજના વ્યક્તિ ને વિધિ કરાવવા બોલાવવાની જરાય જરૂર નથી.
- લગ્ન પ્રસંગે પણ મોટા ભાગ ની વિધિઓ બહેનો દ્વારા પારંપરિક રીતે કરવામાં આવે છે તો એજ ચાલુ રાખવી અને જે વિધિ અન્ય સમાજ કે ધર્મ દ્વારા કરાય છે તો એ આદિવાસી વિધિ નથી એ કરાવવાની કોઈ જરૂર નથી.
- મરણ પ્રસંગે પણ આદિવાસી સમાજ ના ભાઈઓ ને પારંપરિક વિધિ માટે બોલાવવા જેથી સાવ નજીવા ખર્ચે વિધિ પૂર્ણ કરી શકાય , અન્ય ધર્મ કે સમાજ આધારિત ભજન કે ડાયરા ટાળી પારંપરિક ભજનો કરવા. જમણવારમાં ખોટો ખર્ચ કરવો નહીં, બહારથી પ્રવેશેલી વાસણો જેવી ભેટ આપવાની પ્રથા ટાળવી.
- આજે દરેક સમાજ કે ધર્મ પોતાના દેવ, દેવી રિવાજ કે પરંપરા નો ગર્વ લઈ રહ્યો છે તો આપણે શું કામ ગર્વ ના લઈએ ? આપણા પારંપરિક અને પ્રાકૃતિક દેવ સ્થાનોમાં ફક્ત આપણા જ દેવ દેવી હોવા જોઈએ, જે દેવ સ્થાન હોય એ પણ બને એટલા પ્રાકૃતિક રાખવા, કોઈ ખર્ચ કરવાની જરૂર નથી. આપણા સમાજ ના નૃત્યો/ નાચણા વગેરે માં આપણા દેવ દેવી ના નામો જ લેવા તોજ આપણા ગીતો અસલ સ્વરૂપમાં જળવાઈ રહશે.
જો આપણે આટલું કરીશું તો ચોક્કસ આપણે આદિવાસી તરીકે નો સાંસ્કૃતિક વારસો જાળવી શકીશું અને ગર્વથી જય આદિવાસી બોલી શકીશું.
![]()
જય આદિવાસી ![]()
જોહાર![]()
