આદિવાસી જીવનશૈલી કેવી હતી અને આજે લોકો કેવું જીવન જીવી રહ્યા છે !
આપણાં આદિવાસી વિસ્તારમાં આપણા પૂર્વજો દરેક શાકભાજી ઘરે ઉગાડતા, દરેક સીઝનમાં ખાવા મળી રહે એવા ફળાઉ વૃક્ષો રોપતા, વેલા વાળી શાકભાજીના માંડવા પણ કરતા, આપણે ક્યારેય અન્ય પર નિર્ભર ના હતા, દરેક ઘરે ઘરે દુધાળા પશુ ઓ હતા જેથી દૂધ/દહીં /છાસ બધું ઘરે જ મળી રહેતું, ધાન્ય પાકો પણ આપણે પકવીને કોઠી માં ભરી લેતા, પણ આપણે ભણ્યા અને નોકરીએ લાગ્યા, ઉદ્યોગો આવ્યા ને કામે લાગ્યા, શહેરો અને બજારો બન્યા એટલે વેપારી/દુકાનદાર બન્યા એટલે આ રીતે આપણી મૂળ જીવન શૈલી છોડી પૈસા કમાવવા લાગ્યા અને હવે પૈસા કમાઈને એજ જીવન જરૂરી ચીજ વસ્તુઓ બજારમાંથી લેવા લાગ્યા !
વળી વેચાતું કે બજારમાંથી લેવું એનાથી પણ કોઈક તો પૈસા કમાતું જ હશે પણ એ શાકભાજી / અનાજ /કઠોળ/ ફળો માત્ર વેચવા અને પૈસા કમાવવા માટે વેચેલા હોય છે જેમાં ભરપૂર રાસાયણીક ખાતર અને જંતુનાશક દવા ( ઝેર) નો ઉપયોગ થયો હોય છે, જેથી પૈસાદાર વર્ગ પૈસા કમાઈને ઝેર વાળું ખાઈને જીવી રહ્યો છે. વચેટિયા/ વેપારીઓ કમિશન ખાઈને કમાય પણ ખાય તો તેઓ પણ ઝેર વાળું જ.
વળી, આપણે બોલીવુડ હીરો- હિરોઈન/નેતાઓ / બિઝનેસમેન જેટલા પૈસાદાર નથી કે સ્પેશિયલ શાકભાજી ઉગાડવા શ્રમિકો રાખીને ચોખ્ખું ખાવાનું ખાઈ શકે !
એટલે હવે આપણે જ વિચારવું રહ્યું કે આપણી પાસે જમીન- પાણી છે તો કઈ રીતે ઉપયોગમાં લેવું. મારા ખ્યાલથી કોઈ નોકરી ધંધો કરતા કરતા પણ સમય ફાળવી પોતાની રીતે પ્રાકૃતિક ખેતી કરી જ શકાય બસ મહેનતની જરૂર છે.
આજે પૈસાની વધુ જરૂર એટલે થઈ કે ઘર / મકાનો પાકા બનાવવા લાગ્યા ! વાહનો લેવા માટે, ઇલેક્ટ્રિકલ/ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો લેવા માટે, જે તે વિસ્તાર દેશ – વિદેશ માં ફરવા માટે અને શોખ પૂરા કરવા માટે આ સિવાય શુભ અશુભ પ્રસંગો અને આરોગ્યની સેવા ઓ માટે પૈસા જોઈએ એટલે પૈસા તો કમાવવા જરૂરી જ છે.
પણ પૈસા કમાવવા પાછળ એ ના ભૂલી જવું કે જે પૈસા કમાઈએ એનાથી કેવું ખાવાનું ખાઈએ છીએ ! નામ કે કીર્તિ કમાઈ જઈએ અને ખાવાનું ઝેર વાળું ખાઈએ એનો શું મતલબ !
હજુ પણ ઘણાં આદિવાસીઓ જાતે ઉગાડેલ શાકભાજી / અનાજ / કઠોળ ખાય જ છે, પારંપરિક ઘરનો બનાવેલ ખોરાક જ ખાય છે તેઓ વધુ પૈસા કમાઈ શકતા નથી પણ વધુ સારી રીતે , ટેન્શન મુક્ત અને લાંબુ જીવન જીવે છે.
વળી, ઘણું ખરું તો આપણે સમાજ કે લોકો શું કહેશે એ વિચારી માત્ર ને માત્ર નોકરી કરવા માટે જ ભણતા હોય એવી પરિસ્થિતિ નું નિર્માણ થઈ ચૂક્યું છે, ત્યારે સૌ એ મનોમંથન કરવું જરૂરી કે શું કામ લોકોને બતાવવા માટેની જીવનશૈલી પસંદ કરવી! શું આપણે મૂળ જીવન જીવવાની જીવનશૈલી પસંદ કરી ના શકીએ ? વિચારી જુઓ કે ખોરાક ચોખ્ખો હશે, હવા પાણી ચોખ્ખા હશે તો હોસ્પિટલ નો ખર્ચ પણ ઓછો ! જે કંઇક ખાવા માટે કરીએ એમાંથી થોડું વેચીએ તો જીવન જીવવા માટે જરૂરી પૈસા પણ કમાઈ શકાય પણ બીજી તરફ શોખ ઓછા કરવા પડે ! કારણકે બે પ્રકારની જીવનશૈલી જીવી શકવું એ અઘરું છે.
વળી, આપણા દેશમાં એવી સમાજ પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે કે જે વ્યક્તિ કલાનો ઉપયોગ કરી સુથાર / પ્લંબર / કડિયા/ વાયરમેન / મિકેનિક / ખેડૂત / વેપારી વગેરે બને એની સામાજિક વેલ્યુ ઓછી અને જેઓ નોકરી કરી નોકર જેવું જીવન વિતાવે એની વેલ્યુ વધારે !
દરેકની પોત પોતાની પસંદ કે કોણે શું કરવું પણ એક વાત ચોક્કસ વિચારવી રહી કે ગાડરિયા પ્રવાહમાં વહેવાનું બંધ કરવું પડશે અને આપણે જીવન જીવીએ એના વિશે લોકો શું કહેશે એ વિચારવું બંધ કરવું પડશે બસ પોતાને ગમે એવું સુખમય અને આરોગ્યપ્રદ જીવનશૈલીથી જીવન જીવવું જોઈએ.















નૌંધ : અમારા લેખ્નને અમારી પરમિશન વગર કોઇ પણ જગ્યાએ ઉપયોગ કરવું નહીં, તમે અમારા વેબસાઈટની લીંક મારફ્તે એને શેયર કરી શકો છો.
