તાપી જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે, વળી અહીંના આદિવાસી સમુદાયના વિવિધ દેવ થાનકો જંગલ વિસ્તારમાં આવેલા છે, આ દેવ થાનકો કોઈ માલિકીના નથી હોતા અહીં તમામ આદિવાસી સમુદાયના લોકો આદિકાળથી ચાલતી આવેલી પરંપરા અનુસાર પુંજ મૂકે તેમજ છાક પાડતા હતા.
પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અહીં આદિવાસી સમાજની પરંપરા જ બદલી નાંખવામાં આવી એમ કહેતો ચાલે, આદિવાસી સમાજની પારંપારિક પદ્ધતિ છોડી અન્ય પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે, તેમજ દેવ થાનકોના ઇતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી રહી છે, દેવ થાનકોના નામ બદલી કાઢી અન્ય ધર્મ/ સંસ્કૃતિ સાથે જોડી દેવામાં આવી રહ્યા છે, આદિવાસી દેવ થાનકો એ અન્ય ધર્મના મૂર્તિ/ ફોટા મુકવામાં આવી રહ્યા છે.
આદિવાસી દેવ થાનકો પર થતા આવા બાહ્ય અતિક્રમણને લીધે આદિવાસી સમાજની રૂઢિ પરંપરા/ રિવાજ/ સંસ્કૃતિ ને ખુબજ નુકશાન થઈ રહ્યું છે, જેથી આદિવાસી પંચો દ્વારા તાપી જિલ્લાના કલેક્ટરશ્રીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું છે, અને જો કોઈ કાર્યવાહી ના કરવામાં આવી તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આદિવાસી સામુદાયિક પંચો દ્વારા આપવામાં આવી છે.
હવે, જોવું રહ્યું કે આ અંગે તંત્ર દ્વારા શું પગલા લેવાય.


