ચાલો આજે તમને એક સરસ મઝાની માહિતી જણાવીએ.
આ વાત છે 2-નવેમ્બર-2025 ની અને અમે વિચાર્યું કે ચાલો વઘઇ-આહવા તરફ એક આંટો મારતા આવીએ અને નીકળી પડ્યા બાઇક લઈને અને બપોર પછી 3:30 વાગ્યે અમે આહવા પહોંચ્યા ત્યાંથી દેશી મકાઈ લીધી અને રિટર્ન આવી રહ્યા હતા ત્યારે આ દાદી આવું કંઈક વેચી રહ્યા હતા એ જોયું અને ગાડી વાળી દાદી પાસે પહોંચ્યા અને પુછયુ તો એમણે જણાવ્યું કે ચાય-પાલો કહેવાય અને ચાય માં નાંખીને પીવાનું પણ મને ખબર હતી કે આ તો એનું અસલ નામ નહીં જ હોય એટલે મેં એ દાદીને પુછયુ તો એમણે જણાવ્યું કે રોઈસા કહેવાય! એટલે મને ખબર પડી ગઈ કારણકે એના વિશે મને ખબર હતી.
મારા દાદા કાયમ કહેતા કે પહેલાના સમયમાં તો ઘાસનું તેલ રહેતું અને એજ વાપરતા પણ આપણે તો એજ વિચારતા કે આ ઘાસ કેવું હશે! તો આજે એ જોઈ જ લીધું.
વિવિધ આદિવાસી વિસ્તારોમાં રોઇસા ઘાસના નામના ઉચ્ચારમાં થોડો ફેરફાર જોવા મળે છે. ભૂતકાળની વાત કરીએ તો અગાઉના સમયમાં ડુંગરાળ આદિવાસી વિસ્તારોમાં આ તેલનો ઉપયોગ થતો એના માટે પારંપરિક પદ્ધતિથી તેલ કાઢવામાં આવતું. વાત કરીએ ૧૮ મી સદીની તો એ સમયમાં તો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના આદિવાસી સમુદાયને ભીલ તરીકે ઓળખવામાં આવતા અને એ સમયે પણ આ ઘાસના તેલનો ઉપયોગ કરવામાં આવતો જેનો ઉલ્લેખ અમુક જૂના પુસ્તકોમાં જોવા મળે છે. તેમજ આજે વર્તમાનમાં પણ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારોમાં આ ઘાસનું તેલ કાઢવામાં આવે છે અને ઔષધિ તરીકે વેચવામાં આવે છે.
રોઇસા ઘાસના તેલનો ઉપયોગ દુઃખાવો મટાડવા માલિશ કરવા માટે થાય છે. તેમજ આ ઘાસના પાલાને ચા માં નાંખીને ઉકાળીને પણ પીવામાં આવે છે, અંતરિયાળ ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં આજે પણ આનો પરંપરાગત રીતે ઉપયોગ થાય છે.
આ ઘાસ આજના સમયમાં ખુબજ ઓછા લોકોએ જોયું હશે કે એના વિશે જાણ્યું હશે ! કારણકે આ ઘાસ ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં થાય છે. ગુજરાતની વાત કરીએ તો કપરાડા,ધરમપુર,વાંસદા, વઘઇ, આહવા, સાપુતારા તેમજ સતપુડા વિસ્તારોમાં, તેમજ ગુજરાતને અડીને આવેલા વિસ્તારોમાં જેવાકે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ડુંગરાળ વિસ્તારોમાં ડુંગરો પર આ ઘાસ ઉગે છે.
આજે પણ આ ઘાસના તેલનો ઉપયોગ આદિવાસી સમુદાયના લોકો દ્વારા કરવામાં આવે જ છે અને તમને કદાચ બજારમાં પણ આ તેલ વેચાતું જોવા મળી શકે પણ એ કેટલું શુદ્ધ હોઈ શકે એ કહી શકાય નહીં !
જો તમે પણ આદિવાસી વિસ્તારોમાં ફરવા આવો અને આ ઘાસ જોવા મળે તો ખરીદજો, માત્ર ૧૦ રૂપિયામાં મોટી ઝૂડી મળે છે, અને એનો ઉપયોગ ચા બનાવવા કરજો તેમજ આ ઘાસની સુંગધ જ કંઈક વિશિષ્ટ પ્રકારની હોય છે એનો પણ તમને કઇંક નવો અનુભવ થશે.
