ચાલો આપણી ભાષા છે એને ઉજાગર કરીએ.

ઘણાં ને એવું છે કે આપણી કોઈ લીપી નથી માટે આપણી બોલી જ હોઈ શકે ભાષા નહીં, પણ એવું નથી, ચાલો થોડું ઊંડાણથી સમજવાની કોશિશ કરીએ.

અંગ્રેજી એ આજે દુનિયાની એક ગ્લોબલ લેંગ્વેજ બની ગઈ છે. અંગ્રેજી ભાષાના મૂળાક્ષરો એટલે કે ABCD એ એક લેટિન કે રોમન મૂળાક્ષરો છે જેમાં 26 અક્ષરો હોય છે, જેમાં પ્રત્યેકનું અપર અને લોઅર-કેસ હોય છે. તેનો ઉદ્દભવ 7 મી સદીની આસપાસ લેટિન લિપિથી થયો છે. લેટિન અથવા રોમન Aalphabet એ એક લેખન પદ્ધતિ છે જેનો ઉપયોગ મૂળ પ્રાચીન રોમનો લેટિન ભાષા લખવા માટે કરતા હતા, આ 26 લેટિન Alphabet  એ આજે ISO સર્ટિફાઇડ મૂળભૂત મૂળાક્ષરો બની ચૂક્યા છે. આપણે અંગ્રેજીમાં Alphabet  કહીએ એ Alphabet શબ્દ ગ્રીક મૂળાક્ષરો, Alpha અને Beta ના પ્રથમ બે અક્ષરોનું જોડાણ છે.  

         તો આપણે જોયું કે અંગ્રેજી એ ભાષા તરીકે આખી દુનિયામાં દરજ્જો પામ્યું છે પરંતુ એની પોતાની કોઈ જ લિપિ નથી , અંગ્રેજી પોતે લેટીન લિપીનો ઉપયોગ કરીને લખાય છે.

          હવે ગુજરાતી તરફ પ્રયાણ કરતા પહેલા એના મૂળમાં જઈએ.

       ભારતની જૂનામાં જૂની લિપિ તો હડપ્પામાંથી મળેલ છે જેને સરકારી ચોપડે તો ઉકેલી શકાઈ નથી એમ બતાવવામાં આવે છે પરંતુ એવું કેમ એ વિષય બહુ લાંબો છે અત્યારે આપણા મુદ્દા પર રહીએ. ત્યારબાદ આવે છે બ્રહ્મી લિપિ. બ્રહ્મી લિપિ એ ભારતની પ્રાચીન જૂની લિપિ છે.  તેના ઉપયોગના પ્રાચીન ઉદાહરણો અશોક શિલાલેખોના રૂપમાં ઉપલબ્ધ છે. તેમાં ડાબેથી જમણે બાજુ લખવામાં આવે છે.

પરંતુ આ બ્રાહ્મી લિપિ પણ મૂળ યુરોપની પ્રાચીન સભ્યતા ફોનેશિયા ની લિપિ માંથી બનાવવામાં આવી છે. વિશ્વના તમામ મોટાભાગની લિપી ઓના મૂળાક્ષરો ફોનેશિયા એ બનાવેલા મૂળાક્ષરો પર આધારિત છે. 

બ્રાહ્મી લિપિ એ ઇ.સ પૂર્વે 600 વર્ષ પહેલાં હતી એ આપણે  શીલા લેખો પરથી કહી શકીએ છીએ. બ્રાહ્મી લિપિમાં મળી આવેલ શીલાલેખ આ મુજબ છે.

રમ્મંડેઇ – સ્તંભ, ગિરનાર – શિલાલેખ ,સમાન – શિલાલેખ, માનશેરા – શિલાલેખ, શાહબાઝગદરી – શિલાલેખો,દિલ્હી – કોલમ, ગુજર – લઘુચિત્ર શિલાલેખ ,મોસ્કો શિલાલેખ, કંધાર – દ્વિભાષી શિલાલેખ.

ત્યારબાદ બ્રાહ્મી લિપીમાંથી બનેલ લીપીઓ નીચે મુજબ છે.

પાલી, નાગરી, બાંગ્લા લિપિ, ઉડિયા લિપિ, ગુજરાતી લીપી, ગુરમુખી લિપિ, તમિલ લિપિ, મલયાલમ લીપી, સિંહલ લીપી, કન્નડ લિપિ, તેલુગુ લિપિ, તિબેટીયન લિપિ, રંજના, લોકપ્રિય નેપાળ, ભુન્જિમોલ, કોરાલી, થાઇ, બર્મીઝ, લાઓ, ખ્મેર, જાવાની, ખુદાબદી લિપિ વગેરે.

ઇ.સ પૂર્વે 654ની આસપાસ ગૌતમ બુદ્ધે પણ એના ઉપદેશો પાલી ભાષામાં આપ્યા છે અને આ પાલી ભાષા એ મૂળ માગધી ભાષા હતી એવું પણ કહેવાય છે. એટલે આપણે કહી શકીએ કે  પાલી એ જૂનામાં જૂની ભાષા જે લેખિત સ્વરૂપ માં મળી આવે છે જે પ્રાકૃત સાથે પણ મળતી આવે છે.

હવે વાત કરીએ સંસ્કૃતની તો, પાલી ભાષાના શબ્દો સંસ્કૃત સાથે મેળ ખાતા નથી,  આથી સંસ્કૃત કરતા જૂની ભાષા પાલી જ છે. તેમજ આ પાલી ભાષા ગૌતમ બુદ્ધના જન્મના 300 વરસ પહેલાથી છે એવું મનાય છે એટલે કે ઇસ. પૂર્વે 900-1000ની આસપાસ એટલે કે આજથી લગભગ 3000 વરસ પહેલાં પાલી ભાષા હતી.

બ્રહ્મી લિપિ માંથી નાગરી લિપિ  અને એમાંથી જ દેવનાગરી લિપિ  બની છે, આ એક ભારતીય લિપિ છે જેના દ્વારા ઘણી ભારતીય ભાષાઓ અને ઘણી વિદેશી ભાષાઓ લખાયેલીછે. તે ડાબેથી જમણે લખાયેલું છે. તે ‘શિરોરેખા’ નામની આડી રેખા દ્વારા ઓળખવામાં આવે છે.  હવે એમાંથી ઉદ્દભવેલ ભાષાઓ નીચે મુજબ છે.

સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, મરાઠી, કોંકણી, સિંધી, કાશ્મીરી, હરિયાણવી, ડોગરી, ખાસ, નેપાળ ભાષા (અને અન્ય નેપાળી ભાષાઓ), તમંગ ભાષા, ગઢવાલી, મગહી, ભોજપુરી, નાગપુર, મૈથિલી, સંતાલી, રાજસ્થાની વગેરે ભાષાઓ દેવનાગરી લિપિ પર આધારિત છે.

           હવે આપણે સૌ ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતીની વાત કરીએ.

ગુજરાતી એ દેવનાગરી માંથી પરિવર્તન પામીને બની છે , જે 10 થી 15 મી સદી,15 થી 17 મી સદી અને 17 થી 19 મી સદીમાં અલગ અલગ રીતે વિકસિત થતી ગઈ.

પ્રથમ તબક્કામાં પ્રાકૃત, અપભ્રમ, પૈસાચી, શૌરસેની, મગધિ અને મહારાષ્ટ્રીનો ઉપયોગ થતો હતો. બીજા તબક્કામાં જૂની ગુજરાતી લિપિ નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હતો. જૂની ગુજરાતી લિપિમાં સૌથી પ્રાચીન જાણીતું દસ્તાવેજ એ આદિ પર્વની ઇ.સ 1591-92 ની હસ્તલેખિત પાંડુલિપિ છે. આ ગુજરાતી લીપી પ્રથમ ઇ.સ 1797  જાહેરાતમાં દેખાઇ હતી. ત્યારબાદ ત્રીજો તબક્કો એ સરળ અને ઝડપી લેખન માટે લિપિનો વિકાસ છે. તેમાં શિરોરેખાનો ઉપયોગ છોડવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ દેવનાગરીમાં થાય છે. (શિરોરેખા એટલે હિન્દીમાં લખીએ તેમાં ઉપર આડી લીટી હોય એ)

હવે અહીંથી આપણી મુખ્ય વાત શરૂ થાય છે આપણે  સૌ એવા ભ્રમમાં હોઈશું કે આપણી માતૃભાષા ગુજરાતી છે, પરંતુ એવું નથી ગુજરાતી  તો એક રાજ્ય ભાષા છે. જેમ ગુજરાતી એ ગુજરાતની રાજ્યભાષા, મરાઠી એ મહારાષ્ટ્રની રાજ્યભાષા,પંજાબી એ પંજાબની રાજ્ય ભાષા છે. એજ મુજબ તમિલ એ તમિલનાડુ ની રાજ્યભાષા થઈ. તમિલ લીપીમાં તમિલનાડુ ની વિવિધ ભાષાઓ  જેવી કે તમિલ, બડગા, ઇરુલા અને પાનીયા જેવી લખાય છે, આ લિપિનો ઉપયોગ ભારત અને શ્રીલંકામાં પણ તમિલ ભાષા લખવામાં થાય છે.

   તમિલનાડુમાં ઇરુલા જાતિ ના આદિવાસીઓ રહે છે જેઓ ઇરુલા ભાષામાં બોલે છે અને લખવા માટે તમિલ લીપીનો ઉપયોગ કરે છે. આપણે ઉપર જોયું કે અલગ અલગ જાતિઓ અલગ અલગ ભાષા બોલે છે અને લખે છે તેમાં ભાષા ઓ ઘણી છે પણ તે બધાની લિપિઓ એકજ છે, એટલે કે એકજ લીપી માંથી ઘણી બધી ભાષાઓ બને છે.

હવે ગુજરાતી, મરાઠી  વગેરે…અલગ અલગ રીતે ઉચ્ચારથી બોલાય છે અને  એકજ લીપીમાંથી બની છે તોય ભાષા કહેવાય છે જે મૂળ તો દેવનાગરી લીપી જ છે. એમની પોતાની કોઈ સ્વતંત્ર લીપી નથી, તો એજ રીતે આદિવાસીઓ માં ચૌધરી,ગામીત,ગાંવિત,ઘોડીઆ,કુકણા,વસાવા,રાઠવા, હળપતિ,વારલી, વગેરે જે અલગ અલગ બોલે છે તેમને પણ ભાષા જ કહેવાય, ભાષાના દરજ્જા માટે સ્વતંત્ર લીપી હોવી જ જોઈએ એવું હોતું નથી. માટે આપણે જે વિવિધ આદિવાસીઓ બોલીએ છીએ એ આપણી ભાષા જ કહેવાય અને એને શાબ્દિક તરીકે લખવા માટે આપણે કોઇ પણ લિપિનો ઉપયોગ કરી શકીએ.

નીચે બે લિપિમાં આદિવાસી શબ્દ લખ્યો છે.

आदिवासी<—-આ દેવનાગરી લિપિ.

ADIVASI<—-  આ લેટિન લિપિ.

 નીચેના ત્રણ શબ્દો ચૌધરી ભાષામાં થયા.

कासे  जावाणो , કાસે જાવાણો,Kase Javano

નીચેના ત્રણ શબ્દો કુકણા માં

कठ जावला, કઠ જાવલા,Kath javla

એજ રીતે ધોડીઆ માં केधे जामनो,કેધે જામનો, kedhe jamno  એમ લખી શકાય.

ગામિત માં केस जा,કેસ જા,Kes Ja એમ લખી શકાય.

આમ લીપી કોઈ પણ હોય આપણે લખીએ એ આપણી ભાષા જ કહેવાય. 

         ગુજરાતી એ રાજ્યની ભાષા છે જેઓ પહેલેથી ગુજરાતી બોલે છે એમની એ માતૃભાષા કહી શકાય આપણી નહિ, બધા સાથે સંપર્ક કરવા માટે એક રાજ્યભાષા તરીકે ગુજરાતી લેવામાં આવી છે.

આપણી માતૃભાષા ચૌધરી,ગામીત,ધોડીઆ,વસાવા વગેરે જ કહેવાય. 

ભારતના બંધારણમાં આઠમી અનુસૂચિ માં જે ભાષાઓનું લિસ્ટ છે એમાં આપણા ગુજરાતની એક પણ નહીં તેમજ ભારતમાં અન્યો રાજ્યની માત્ર એક કે બે ભાષાઓ દાખલ થઈ છે અને એ  ભાષાઓ દાખલ કરવા માટે 100-200 વરસનો એમનો સંઘર્ષ રહ્યો છે. મુંડા આદિવાસીઓ ની સંથાલી ભાષા દાખલ કરવા માટે એમણે ખૂબ સંઘર્ષ કર્યો છે. એમના સંથાલી ભાષા માં 15000 ની આસપાસ પુસ્તકો લખાય ચુક્યા છે. ત્યાં હવે તેઓ બાળકો ભણાવવા સંથાલી ભાષામાં અભ્યાસક્રમ દાખલ કરી રહ્યા છે.

       આપણે જોઈએ કે આપણા આદિવાસી વિસ્તારમાં કેટ કેટલી જગ્યાએ એવા લોકો સરકારી નોકરી કરે છે એમને આદિવાસી ભાષા સમજ જ નથી પડતી, સરકારના નિયમ મુજબ જેતે આદિવાસી વિસ્તારમાં સરકારી કર્મચારીને આદિવાસી ભાષા આવડવી જ જોઈએ તો જ ત્યાં એમનું પોસ્ટિંગ થઇ શકે, પણ એ વાતની આપણને જ જાણકારી નથી, બેંકો કચેરીમાં શાળામાં ગુજરાતી હિંદીઓ માં વાતચીત કરવામાં આવે છે એમાં આપણા આદિવાસીઓ સમજી શકતા નથી, બેંક માટે આજે હિન્દી અને અંગ્રેજી જ આવી ગયુ છે તેમાં આપણા આદિવાસીઓને ખૂબ તકલીફ પડે છે.

બાળકો 1 થી 5 વરસ સુધી આદિવાસી ભાષા શીખે છે પરંતુ જ્યારે સ્કૂલમાં દાખલ થાય ત્યારે એને માટે ચકલી હોય એ સ્પેરો બની જાય છે, આય હોય એ માતા ,મધર બની જાય છે. આ રીતે બાળક મૂળ ભાષા સાચું જ જાણતો હોય પણ એને જ પછી અલગ રીતે ઓળખવા લાગે છે.

આ રીતે આપણી ભાષા લુપ્ત થતી જાય છે, આદિવાસી વિસ્તારમાં જેમને આદિવાસી ભાષા નથી આવડતી એ લોકો નોકરી કરે છે અને આપણા આદિવાસીઓ જેમને આપણી ભાષા આવડે છે એ 200-500 કિ.મિ દૂર નોકરી કરી રહ્યા છે. પરિણામે બંન્ને બાજુ આદિવાસીઓને નુકશાન જઇ રહ્યું છે.  

     આ નુકશાનીથી બચવા માટે આપણે આપણી ભાષામાં પુસ્તકો લખવાનું ચાલુ કરીએ, આપણા આદિવાસી વિસ્તારમાં તમામ સરકારી કચેરીઓમાં,શાળાઓ માં આદિવાસી ભાષા માં જ વાતચીત અને પત્ર વ્યવહાર કરવો અનિવાર્ય છે. ત્યારબાદ આપણી બધી આદિવાસી ભાષાઓ ભારતના બંધારણની 8 મી અનુસૂચિમાં દાખલ કરાવી આપણી આદિવાસી ભાષામાં અભ્યાસક્રમ સરકાર દ્વારા દાખલ કરાવીશું તો જ આપણી ભાષા બચશે, આપણને 100% રોજગાર મળશે અને આપણા દેશમાં અને રાજ્યમાં આપણને સત્તાપક્ષ તરફથી લાભો પણ મળશે.

About The Author

error: Content is protected !!