જ્યારે ચોમાસામાં વરસાદ પડે ત્યારે આદિવાસીઓ ખેતરમાં કણી અનાજ રોપે છે, જે થોડા સમય બાદ રોપ્યું એના કરતાં અનેક ગણું એટલે કે દશ શેરીયું/દશ ગણું થઈ જાય છે એ સમયે પણ આદિવાસીઓ નવ દિવસ નૃત્ય અને સંગીત સાથે કણી ધાન્ય અનાજને વધાવે છે. ત્યારબાદ વાઘબારહ ને દિવસે વાઘદેવની પૂજા કરે છે, વાઘને ગામની સીમમાંથી જંગલ તરફ મોકલી આપવા માટે અરજ કરવામાં આવે છે જેની ઉજવણી વાઘબારહ ની હતી આ એક દિવસે 12 મહિના સુધી વાઘ જેવા હિંસક પ્રાણીઓ માનવ અને પાળતું પશુઓને નુકશાન ના કરે એવી અરજ કરવામાં આવે છે. ધાન તેરસ એટલે કે આદિવાસીઓ દ્વારા ધાન્ય અનાજ કે ઔષધિઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે, વિવિધ દેવ થાનકોએ પહેલું અનાજ મુકવામાં આવે છે તેમજ ઘર આંગણે ખડીમાંથી તૈયાર થયેલું ધાન્ય ઘરમાં લઈ જઈને કોઠી કે પાલામાં ભરતા પહેલા પણ એની પૂજા કરવામાં આવે છે એટલે કે પ્રકૃતિનો આભાર માનવામાં આવે એજ પ્રકૃતિની પૂજા.


આદિવાસીઓ પહેલા કાચા ઘરમાં રહેતા તો એમના ઘર તેમજ ઘરની આજુબાજુ સાફ સફાઈ કરી દેતા અને ઘરને ફરીથી છાણ અને માટી મિક્સ કરી લીપણ કરી નવા બનાવી દેતા અને આજે પણ આ પ્રથા ચાલુ જ છે અને એ જરૂરી જ છે કારણ કે ચોમાસામાં દરમિયાન પાણી અને ભેજ લાગવાથી લીપણ ખરાબ થઈ ગયું હોય છે.


આ વર્ષે જે નવું ધાન્ય પાક્યું હોય તે ઘરે લાવવામાં આવે છે, પહેલાના જમાનામાં તાડપત્રીઓ હતી નહિ ત્યારે ઘર આંગણાની જમીનમાં માટીને પાણી નાંખી ટીપીને સમતલ કરવામાં આવતી પછી કરસાટા વડે લીપણ કરવામાં આવતું, જેને ખડી કહેવાય છે, આ ખડીમાં ધાન્યને મૂકીને તેને ઝોડવામાં આવતું ,ખડીમાં લીપણ હોવાથી એમાં વધુ કાંકરા પણ મિક્સ ના થાય. આ રીતે કણી ધાન્યને ઝોડી ને પુળી થી અલગ કરેલું હોય એને કણી ધાન્યની પૂજા કર્યા બાદ ઘરમાં વાંસના બનાવેલ પાલા માં કે લીંપણ દ્વારા તૈયાર કરેલ કોઠીઓમાં ભરી લેવાતું. ત્યારબાદ આખા વર્ષ દરમિયાન જરૂર પડે ત્યારે ધાન્યને ઘરે જ બનાવેલ ઉખાડ (એટલે કે પથ્થર નો જ એક ભાગ જેમાં વચ્ચે નાનકડો ગોળાકાર સહેજ ઊંડાણ વાળો ભાગ હોય) એમાં આખું ધાન્ય કણી હોય એ મુહાળ, મુહાળીયા દ્વારા ખાંડવા માં આવતું આ રીતે ધાન્યનું કણસલું છૂટું પડી જાય અને દાણો અલગ પડી જતો ત્યારે તેને પથ્થરની બનેલ ઘંટી દ્વારા દળવામાં આવતું. આ રીતે તૈયાર થયેલ અનાજ ને ચૂલામાં વિવિધ રીતે રસોઈ બનાવી ખાવામાં આવતું.

આ કણી ધાન્ય અનાજ આપણા પેટ સુધી પહોંચ્યું એ પહેલાં વિવિધ જગ્યા, સાધનો વગેરેનો આપણે ઉપયોગ કર્યો હોય છે. જેમકે ખેતરમાં ધાન્ય રોપ્યું તો એને પાણી કુવા- બોર વડે આપ્યું, છાણીયું ખાતર આપ્યું એ આપણને ઘરે બનાવેલા ઉકરડા માંથી મળ્યું, ખેતરે થી અનાજ ઘર આંગણે ખડીમાં આવ્યુ એ આંગણું, ઘરમાં સુરક્ષિત રહ્યું એ ઘરનું બારણું, ઘરમાં કોઠી માં રહ્યું એ કોઠી, જ્યાં ખાંડવામાં આવ્યું એ ઉખાડ આમ આદિવાસીઓ જે જે જગ્યા તેમજ કુદરતી સંસાધન થકી અન્ન મેળવી શક્યા ,એને સાચવી શક્યા ત્યાં દીવો સળગાવે છે. એજ પ્રથા હજી આજે પણ ચાલી છે ,આજના આધુનિક જમાનામાં ઘણી વસ્તુઓ સંશાધનો બદલાયા પણ જેટલી વસ્તુ બચી છે ત્યાં અચુક દીવો કરવામાં જ આવે છે.

દિવાળી એટલે ઉજાસનો તહેવાર એવું કહેવામાં આવે તો આ ઉજાશ કણી ધાન્ય અન્ન થકી જ આવે છે. એ હવે સમજીએ.
તમને અઠવાડિયા સુધી ભુખ્યા રાખવામાં આવે અને પાણી પણ આપવામાં ના આવે તો તમે ધીમે ધીમે મરવા લાગો છો આવી કપરી પરિસ્થિતિમાં તમને દિવસે બપોરના તડકામાં એક મેદાનમાં બેસાડવા માં આવે તમને દોરા ,ધાગા, લોકેટ ,કંકુનો ચાંલ્લો, ભભૂતિ લગાવવામાં આવે, તમારી ફરતે ભગવાન ગોડ અલ્લાહ ઈશ્વરના ફોટા મુકવામાં આવે ભજન ધૂન પ્રેયર કરવામાં આવે તોય તમારે આંખે અંધારા જ આવતા જાય છે અને એક ક્ષણ એવી આવે કે તમને દેખાતું બંધ થઈ જાય છે અને હવે તમારા શ્વાસ જ બંધ થઈ જવાના હોય છે. પણ ત્યારે જ તમને કોઈક આવીને કણી કંસેરી એટલે ધાન્ય અન્ન નો એક કોળિયો મોઢામાં આપે અને પાણી પીવડાવે તો તમારે આંખનું અંધારું દૂર થઈ જાય અને બધે ઉજાશ લાઈટ દેખાવા લાગે તો આજ લાઈટ ઉજાસ પ્રકાશ એ આપણો જીવન જીવવાનો રસ્તો છે એટલે કે ગાઈડ છે ,કણી થકી જ જીવન છે ,બીજું કોઈ તમને જીવન જીવાડી શકતું નથી આથી જ તો કેસરીસિંહ દાદા કહે છે કે હેવન્સ લાઈટ અવર ગાઈડ.

આ કણી ધાન્ય અન્ન હવે આપણાં ઘરમાં આવી ગયું એટલે કે હવે ઉજાશ આપણાં ઘરમાં આવી ગઈ તો આજ ઉજાશ આપણને આખું વરસ જીવાડસે અને આપણું આખુ વરસ ઉજાશથી ભરાય જશે.🌾
આમ ,દીવાળી એટલે હવે કુદરતે બક્ષેલાં વર્ષના સારામાં સારા દિવસો જેમાં આપણે તમામ ચોમાસું ધાન્ય પાકો પકવીને ઘરની કોઠીઓ ભરી આપનાર પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય એવા આ અનમોલ દિવસો.🌾
હવે ચોમાસા બાદ લીલો ચારો ઓછો થતો જશે પછી ધાન્યની જે સૂકી પુળીઓ અને ઘાસ પશુઓને ખવડાવીશું એના થકી આપણે દૂધ મેળવી શકીએ, ખેતરમાં હળ સાથે બળદ જોડી ખેડી શકીએ ,બળદ ગાડી હાંકી શકીએ.🌾
આ ચોમાસાના વરસાદ થકી ધરતીમાં પાણી આવ્યું એનાથી નદી, નાળા, સરોવર, છલોછલ ભરાઈ ગયા અને સમગ્ર જીવસૃષ્ટિને જીવવા માટે જળ મળી ગયું.🌾
ધરતી પર નાના છોડ ઉગી નીકળ્યા. નાના ઝાડ મોટા થવા પ્રયત્ન કરે. મોટા વૃક્ષો વધુને વધુ ઘટાદાર થયા.
આપણે જોયું કે આપણા આદિવાસીઓની દિવાળી એ પ્રકૃતિ ચક્ર આધારિત છે જેમાં અન્ય કોઇ પણ વિજય,પરાજય,વધ કે હત્યા આવતું નથી અને આ આપણી પ્રકૃતિ થકી જીવન જીવવાની ઉજવણી નો સમય, અન્ન થકી આવતા ઉજાસ નો સમય, ઘર પણ નવું થઈ જાય, બધી રીતે ખુશી આનંદનો સમય છે.
આમ, આપણું ચોમાસુ પાક પૂરો થયો જે મુખ્ય પાક હતો એના થકી આખું વરસ ચાલશે. આમ ચોમાસુ પાક પૂરો થતાં હવે કુદરતનો થોડો અલગ સમયગાળો બેસવાનું શરૂ થશે એટલે કે કુદરતી ચક્ર આગળ વધશે, હવે શિયાળુ પાક પાણી વગર શરૂ થશે. 🍂🍂🍂🍂🍂🍂 પાલુડીયો મહિનો આવશે, હોળી આવશે પછી ઉનાળાનો આકરો તાપ અને પછી ફરી ચોમાસુ.🌧️
આ પ્રાકૃતિક ચક્ર દિવાળીની તમામ ભાઈ બહેનો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

નૌંધ : અમારા લેખ્નને અમારી પરમિશન વગર કોઇ પણ જગ્યાએ ઉપયોગ કરવું નહીં, તમે અમારા વેબસાઈટની લીંક મારફ્તે એને શેયર કરી શકો છો.
