અહીં એક શિક્ષક કે જેમનું નામ અરવિંદભાઈ ચૌધરી છે, જેઓ વ્યવસાયે શિક્ષક હોવા છતાં પોતે એક આદિવાસી સમાજના વ્યક્તિ છે એ ભૂલ્યા નથી સાથે સાથે આદિકાળથી ચાલતી આવતી આપણી આદિવાસી વાદ્યકલા ને પણ ભૂલ્યા નથી, તેઓએ આપણાં વાદ્યો કેવી રીતે બનાવાય,કેવી રીતે વગાડવું એ પણ આપણાં પૂર્વજો પરથી શીખ્યું છે અને હવે આવનારી પેઢીને પણ શીખવી રહ્યા છે.
આપણાં સમાજમાં ઘણા વ્યકિતઓ છે જે ખેતી મજૂરી કરી ગુજરાન ચલાવે છે જેમને આદિવાસી વાદ્યો વગાડતા આવડે છે ,બનાવતા આવડે પણ પોતાના ઘરનું જ ગુજરાન ચલાવવાનું હોય લોકોને શીખવવા માટે સમય આપી નથી શકતા.
પરંતુ આપણા સમાજમાં ઘણા શિક્ષિત વ્યક્તિઓ છે જેઓ વ્યવસાયે શિક્ષક,એન્જીનીયર,ડૉકટર,અધિકારી જેવી નોકરીઓ કરી રહ્યા છે તેમજ કેટલાક એવી નોકરી કરી નિવૃત્ત પણ થઈ ચૂક્યા છે ત્યારે સૌએ શિક્ષકશ્રી અરવિંદભાઈ ચૌધરી તરફથી શીખવું જોઈએ કે કેવી રીતે સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કરવું. સૌ કોઈ શિક્ષિત યુવાઓ તેમજ વડીલોની જવાબદારી બને છે કે આપણા આદિવાસી વાદ્યો ને વગાડતા શીખીએ, બનાવતા શીખીએ અને આવનાર પેઢીને પણ શીખવતા જઈએ. જો આપણે એ નહીં કરીશું તો કોઈ ખેતી કે મજૂરી કરતા વ્યક્તિઓ નથી શીખવવાના કારણકે તેઓ ખેતીકે મજૂરી કરી તેમનું ગુજરાન ચલાવે છે અને બાળકોને ભણાવે છે.
જો આપણે જ આપણી ભાષા, વાજિંત્રો, આપણી આદિવાસી સંગીત કળા ને ભૂલી જશું તો એને બીજું કોઈ નથી બચાવવાનું અને આ દુનિયામાંથી એ લુપ્ત થઈ જશે અને ધીમે ધીમે આપણું આદિવાસી તરીકેનું અસ્તિત્વ મટતું જશે. અગાઉ ના સમયમાં આપણાં વડવાઓ એ આપણી દેશી ઢબ માં ઘણા ગીતો અને મ્યુઝિકનું સર્જન કર્યું હતું જે આજે વિસરાતું જઇ રહ્યું છે, એવા ગીતો કે મ્યુઝિક સાંભળતાની સાથે જ આપણે એમાં ખોવાઈ જઇએ છીએ તેમજ આપણા દાદાઓ ,પિતાઓ સૌની સાથે જોડાયેલા સ્મરણો દેખાવા લાગી જાય છે.
આમ, આપણા વડવાઓ થી આવનારી પેઢીને એકસાથે જોડી રાખવા માટે, આપણી સંગીત કળા,સંગીત વાદ્યો બનાવતા અને વગાડતા શીખવું ખૂબજ જરૂરી થઈ પડ્યું છે અને એ જવાબદારી હવે ભણેલા ગણેલા યુવાઓ અને વડીલોએ જ સ્વીકારી લેવી જોઈએ, સમય કાઢીને સમાજના વૃદ્ધ કલાકારો પાસેથી એમને એમના સમય બદલનું મહેનતાણું ચૂકવીને આ કલા શીખી જ લેવી જોઈએ. આવતી કાલે કરીશું કે સમય મળે ત્યારે કરીશું એમ વિચારશું તો એ સમય આવશે જ નહીં. આદિવાસી સંગીતનું જ્ઞાન ધરાવતા કલાકાર/વડીલોને પણ યોગ્ય કાર્યક્રમ ગોઠવી કે શુભ અશુભ પ્રસંગે બોલાવવા જ જોઈએ જેથી આપણી આ સંગીતકળા વિસરાઈ ના જાય અને કલાકારો ને પણ રોજગારી મળી રહે.
એટલે હવે એક શિક્ષક જ નહીં ઘણા બધા શિક્ષકો, એન્જીયરો ,ડોક્ટરો અધિકારીઓ આદિવાસી વાદ્યો બનાવે છે, વગાડે છે શીખવે છે એવું થવું જોઈએ તેમજ આદિવાસી લોક કલા સંગીતના ગીતના બોલમાં બાહ્ય મિશ્રણ ના થતા અસલ આદિવાસી ભવ્ય વારસો જળવાઈ રહે એવા પ્રયત્નો કરવા જોઈએ.
સંગીત થકીજ લોકોને જોડી શકાય છે સંગીત થકી જ સામુહિકતા જળવાય છે, સામુહિકતા એજ આપણી ઓળખ છે, આપણી સામુહિકતા સૌને શીખવીશું જેથી દરેક સમાજ સાથે તાલમેલ સાધી સૌ કોઈ સમૃદ્ધ જીવનશૈલીથી જીવન જીવી શકીશું.
